લા. દ. સંગ્રહાલય ભારતના વિવિધ ભાગોમાંથી સંગૃહીત વૈવૈધ્ય પૂર્ણ કાંસ્ય ધરાવે છે. 9મીથી 13મી સદીના સમયગાળાનું જૈન કાંસ્ય આ સંગ્રહની વિશેષતાઓમાંની એક છે. કેટલાંક સુંદર ઉદાહરણો પ્રદર્શનમાં છે, જેમ કે ઘોઘા (ભાવનગર જિલ્લો), ગુજરાતનું 11મી સદીનું આદિનાથની ચોવીસીનું શિલ્પ. 12મી સદીના ગુજરાતના કેટલાક હિંદુ દેવતાઓ, જેમ કે મહિષાસુરમર્દિનીની નાની કલાકૃતિ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત જૈન કાંસ્ય ઉપરાંત આ સંગ્રહ વિજયનગર અને ચોલ વંશના કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ શૈવ અને વૈષ્ણવ કાંસ્યનું પણ પ્રદર્શન કરે છે.
તિબેટ અને નેપાળ પ્રદેશમાંથી નવા પ્રદર્શિત થયેલા બૌદ્ધ કાંસ્ય શિલ્પો, 15મી સદી પછીના છે. તેમાં વજ્રયાન બૌદ્ધ દેવીઓ અને બુદ્ધના વિવિધ સ્વરૂપોની મૂર્તિઓનો સમાવેશ થાય છે. ગિલ્ડેડ-બ્રોન્ઝ મૈત્રેય બુદ્ધ એ કલાત્મકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને આ વિભાગનું મુખ્ય આકર્ષણ છે.
