“શ્રી આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ” એ સૌથી મોટું અને સૌથી જૂનું જૈન ચેરિટેબલ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટનું સંચાલન જૈનો દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલું છે. ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦થી વધુ જૈન મંદિરોનું સંચાલન કરવામાં આવે છે. તેના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો, મૂળ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ઇ. સ. ૧૬૩૦-૪૦ના દાયકાઓમાં ક્યાંક કરવામાં આવી હોવાનું કહેવાય છે. તથા ઇ. સ. ૧૭૨૦ના દાયકાથી “આણંદજી કલ્યાણજીની પેઢી” અથવા “આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ” નામથી ચાલી રહ્યું છે. ટ્રસ્ટની સ્થાપના શરૂઆતમાં પાલિતાણાના શત્રુંજયગિરિનાં મંદિરોનું સંચાલન કરવા માટે કરવામાં આવી હતી. આજે તે શ્વેતાંબર પરંપરા સાથે જોડાયેલા અસંખ્ય જૈન તીર્થો અને મંદિરોનું સંચાલન કરે છે. ટ્રસ્ટની સ્થાપના “શાંતિદાસ ઝવેરી”એ કરી હોવાનું કહેવાય છે, કે જેઓ અમદાવાદના નગરશેઠ રહ્યા છે. અહીં વિશેષ નોંધનીય છે કે આ ટ્રસ્ટનું નેતૃત્વ પેઢીઓથી એક જ પરિવારમાંથી રહ્યું છે.
