એનસી મહેતા કલેક્શન

“શ્રી ગુજરાત મ્યુઝિયમ સોસાયટી” વર્ષ ૧૯૬૦માં પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે સ્થાપિત કરવામાં આવી. જેનો ઉદ્દેશ્ય લઘુચિત્ર પ્રકારના ચિત્રોના જાણીતા એવા ના. ચ. મેહતા સંગ્રહને સૌંદર્યલક્ષી રીતે પ્રદર્શિત કરવામાં આવે. આ હેતુ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી લી કોર્બ્યુઝિયર દ્વારા આકારિત કરાયેલ પાલડી ખાતેના પ્રખ્યાત સંસ્કાર કેન્દ્ર ભવનના પહેલા માળનો એક ભાગ ફાળવવામાં આવ્યો હતો.

ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ વર્ષ ૧૯૬૩માં આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વર્ગસ્થ નાનાલાલ સી. મહેતા (૧૮૯૪-૧૯૫૮) ભારતીય લઘુચિત્ર પ્રકારના ચિત્રોના ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવોમાંના એક હતા. ભારતીય સનદી સેવાઓ(ICS)ના સભ્ય, શ્રી નાનાલાલ પાસે સૌંદર્યશાસ્ત્રની વિશેષ દૃષ્ટિ હતી, સાથે સાથે પ્રાચીનકાળની ઊંડી સમજ હતી. તેમની પાસે સંસ્કૃત અને હિન્દી સાહિત્યની મજબૂત પૃષ્ઠભૂમિ હતી. તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા તેમનાં સંશોધનો પ્રકાશિત કર્યાં, અને ભારતીય અને ગુજરાતી ચિત્રોના ઘણા નવા દસ્તાવેજોને પ્રકાશમાં લાવ્યા. જેમ કે વસંત વિલાસ” હસ્તપ્રતનો વિંટો, પ્રાચીન “ગીતગોવિંદ”, “ચૌરપંચાશિકા” શ્રેણીનાં પત્રો ઇત્યાદિ. આ સઘળું પરવર્તી સમયમાં એન.સી. મહેતા સંગ્રહનું ગૌરવ સિદ્ધ થયું.

વર્ષ ૧૯૯૧માં આ સંગ્રહને નવરંગપુરા ખાતેના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના પરિસરમાં ખસેડવામાં આવ્યો હતો. તે અહીં, સ્થાપત્ય ક્ષેત્રના વિશ્વવિખ્યાત સ્થપતિ શ્રી બી.વી. દોશી દ્વારા નિર્મિત મ્યુઝિયમ ભવનના નવા વિભાગમાં રાખવામાં આવ્યું છે. આ નવિન પાંખનું ઉદ્ઘાટન વર્ષ ૧૯૯૩માં જાણીતા કલા ઈતિહાસકાર, સ્વર્ગસ્થ શ્રી કાર્લ ખંડાલાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.